અમારા પરમ પૂજ્ય પિતા શ્રી જ્યંતિલાલ જેઠાલાલ કાચવાળાની પ્રેરણાથી અમારા માદરે વતન અને જન્મ સ્થળ ઉમરેઠ મુકામે ઈષ્ટદેવ શ્રી કોટયર્ક મહાપ્રભુજીનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પના અમલની શરૂઆત તા. ૨૮-૪-૨૦૧૭ના રોજ શિલાપૂજનથી થઈ. શિલાપૂજન ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણ શ્રી જગદીશભાઈ શુકલના આચાર્યપદે શાસ્રોકત વિધિથી કરવામાં આવી. શિલાપૂજન પૂ. પિતાશ્રી જયંતીલાલ કાચવાળા અને પંચમ પીઠાધીશ્વર ૧૦૮ ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજના હસ્તે અને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. શ્રી કોટયર્ક દેવના મંદિર સાથે વણાયેલ ખડાયતા સમાજના ઉદ્દભવના ઈતિહાસને ધ્યાનમાં રાખીને ગણેશજી, હનુમાનજી, કપાલેશ્વર મહાદેવ, ખડાયતા બ્રાહ્મણના સાત અને ખડાયતા વણિકોના બાર એમ કુલ ઓગણીસ કુળદેવીઓ અને નવગ્રહની પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો. દુર્ભાગ્યવશ નિર્માણ કાર્ય દરમ્યાન પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું. તેમની ચિરંજીવ યાદમાં અને કુટુંબની આવનારી પેઢીઓને કુટુંબનો ઈતિહાસ, સંઘર્ષ અને સંસ્કારોનો વારસો યાદ કરાવ્યા કરે એવા આશયથી મંદિર પરિસરમાં પૂજ્ય પિતાશ્રીનું ભવ્ય મેમોરીયલ બનાવવાનું નક્કી કર્યું.
કોટયર્ક ભગવાનની નાભીમાંથી વિશ્વરૂપ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા અને ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કૈટભ નામના બે રાક્ષસો પેદા થયા. સૌ પ્રથમ કોટયર્ક પ્રભુએ બ્રહ્માજીને વેદની રચના કરવાની આજ્ઞા કરી, ત્યારે બે રાક્ષસોએ કામમાં વિઘ્નો ઉભા કર્યા અને બ્રહ્માજીને પજવતા હતાં. આથી તેમની ફરિયાદ લઈ બ્રહ્માજી કોટયર્ક પ્રભુ પાસે ગયા. કોટયર્ક પ્રભુ કારતક સુદ-૧૧ના દિવસે નિદ્રામાંથી જાગૃત થયા અને તેમના શરીરમાંથી કરોડો સૂર્યનું તેજ ઉત્પન્ન કર્યું. (કોટિ+અર્ક) જેના તેજથી મધુ અને કૈટભ રાક્ષસો બળીને ભસ્મ થયા. શ્રી કોટયર્કપ્રભુના સ્વરુપનું આ મૂળ તત્ત્વ છે.
“કોટયર્ક માહાત્મ્ય”ની શરુઆત મહાભારતના આદિપર્વના પ્રથમ શ્લોક “નારાયણં નમસ્કૃત્ય નરમ્ ચૈવ નરોત્તમમ્ । દેવી સરસ્વતી વ્યાસં તતો જય મુદિરયેત્ ||” ના મુદ્રણથી માહાત્મ્યના રચયિતાએ કરી છે. જે ઘણી જ સરળતાથી સમજી શકાય તેવી છે. પદ્મપુરાણની મૂળવાત, જેમાં શ્રીકોટયર્ક પ્રભુએ મધુ અને કૈટભનો સંહાર કરીને બીજે દિવસે કારતક સુદ બારસનો ઉત્સવ મનાવ્યો અને આ જ સ્થળે સ્થાયી થઈ આપણી જ્ઞાતિનો ઉદય કર્યો. એટલું ગ્રહણ કરીશું, તેમાંજ શ્રીકોટયર્ક તીર્થ નો સારાંશ આવી જાય છે. વિશ્વભરમાં સ્થપાયેલા સૂર્યમંદિરોમાં ફકત એક માત્ર શ્રીકોટયર્ક જ એવું મંદિર છે જે કર્કવૃત્તના મધ્યબિંદુ પર રચાયું છે. આપણા પ્રાચીન મંદિર પર સૂર્ય વર્ષમાં માત્ર એક જ વાર શિખરના મધ્ય બિંદુ પર આવે છે, કેવળ જુન માસની ૨૧મી તારીખે બપોરે ૧૨ વાગે ત્યારબાદ થોડીક જ ક્ષણો બાદ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. ગુગલની મોજણી મુજબ શિખરનું ધ્યેયનું બિંદુ ૨૩.૪૯૮ ઉત્તર અક્ષાંશ બતાવે છે. ૧૮૦૦ વર્ષો પૂર્વે કોની પ્રેરણાથી આ બની શકયું? ખડાયતા જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રીકોટયર્ક પ્રભુનો સાચો મહિમા આવો છે.